Monday 16 August, 2010

લારીવાળાનું ગીત



થોકબંધ ખૂબ જીવ્યાં વેપારી જેમ હવે લારીવાળાની જેમ જીવીએ;
દુનિયાદારીને એક પોટલામાં બાંધીને રસ્તાની મોજ થોડી ઝીલીએ.

ઝૂર્યાં કરે છે રોજ આંખો કંગાલ 
પેલા તાળું વાસેલા શૉ કેસમાં;
રાખે છે કૂંચીઓ  કેડમાં એ વરૂઓ
જે બેઠા છે માનવીનાં વેશમાં.

ખુલ્લી બજાર જેમ આપણેય ખુલ્લા, દુઃખિયાની વસંત જોઇ ખીલીએ.
થોકબંધ ખૂબ જીવ્યાં વેપારી જેમ હવે લારીવાળાની જેમ જીવીએ.

કેવા છે લોક બધાં ? ભોળા કે શાણા ?
ના વેપારી સામે કાંઇ બોલે !
આપણે તો રુદિયાને મૂક્યો છે ખુલ્લો
તે બે મોઢે ભાવ બધાં બોલે.


અંતરનો ભાવ ક્દી હોય નહીં ભઈલા ! સહેજે વિચારીને બોલીએ.
થોકબંધ ખૂબ જીવ્યાં વેપારી જેમ હવે લારીવાળાની જેમ જીવીએ.


 









માળો કર્યો



સાવ સૂક્કા અવસરની પાળે ઉગેલ એક ઘટનાની ડાળે અમે માળો કર્યો !

શમણા બનીને રોજ આવ્યાં કરે
કોઈ મુલકનાં પંખી અજાણ્યા;
જન્મારો આખો અમે સાથે ગાળ્યો
તોય એક્મેકને ના પિછાણ્યા.

તણખાને ટેકે અમે બેસી રહ્યા ને પેલા પાંદડાએ ખોટો હોબાળો કર્યો !
સાવ સૂક્કા અવસરની પાળે ઉગેલ એક ઘટનાની ડાળે અમે માળો કર્યો !

જગની વિશાળતાય વામણી પડે
એક માળાના ગોળ ગોળ ખાડે;
અવસર સૂક્કો ને તોય લીલો સંબંધ
રહ્યા તું ને હું થડિયાની આડે.

કેમે કરીને મૌન ભેગું કર્યું ને પેલા સ્મરણોના ટહુકાએ ચાળો કર્યો !
સાવ સૂક્કા અવસરની પાળે ઉગેલ એક ઘટનાની ડાળે અમે માળો કર્યો !